] crc4rmc

ગુરુવાર, 24 જુલાઈ, 2014

શું માળીએ બગીચામાં પતંગીયાઓને બોલાવવા માટે વાલી-સંપર્ક કરવો પડે છે?

શું આપણા શિક્ષક મિત્રોએ પોતાની શાળાનું વાતાવરણ/પર્યાવરણ અથવા તો પોતાના વર્ગખંડોનું વાતાવરણ/પર્યાવરણ એટલું સરસ બનાવ્યું છે કે શિક્ષકને પોતાને ગમતું હોય??? એટલે કે શું દરેક શિક્ષકને પોતાની શાળા ગમે છે??
વિચારો....અથવા સર્વે કરો......
જો કોઈ શિક્ષકશ્રી હા પાડે તો પૂછો કે છેલ્લા એક માસમાં શાળા સમય સિવાયની કેટલી મીનીટ/સેકન્ડ વધારે બાળકો સાથે તમને ગમતા સ્થળે[શાળામાં] વિતાવી છે...??
અને પછી જ તે શિક્ષકમિત્રને કહો કે શાળાએ ન આવતા[ગેરહાજર] બાળકો માટે વાલીસંપર્ક કરવા જાય.......
કારણ કે બાળક રૂપી પતંગિયાને બોલાવતા પહેલા શાળા રૂપી બગીચો ફૂલોથી મદમસ્ત કરવો પડે!!!!

શું માળીએ બગીચામાં પતંગીયાઓને બોલાવવા માટે વાલી-સંપર્ક કરવો પડે છે??????

શનિવાર, 12 જુલાઈ, 2014

ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિતે માત્ર બે જ શબ્દ..........

પરમ પૂજ્ય સ્વ.ગાંડાબાપા અને કરુણામૂર્તિ પૂજ્ય સ્વ.દેવલમાને
 કોટી કોટી વંદન 
આજના સમયમાં મને યાદ આવે છે. ગાંધીજીનું બુનિયાદી શિક્ષણ, ગીજુભાઈ બધેકાની કામ કરવાની પદ્ધતિ, તારાબેન મોડકની મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ, ભાવનગરની ઘરશાળા, વેડછી નું બુનિયાદી અધ્યાપન મંદિર અને છેલ્લે યાદ કરું છું પૂજ્ય નાગજીભાઈ દેસાઈ અને માતૃ સ્વરૂપા પૂજ્ય તાઈ (શાંતાબેન તાઈ) કે જેમણે મૈત્રી અધ્યાપન મંદિર સુરેન્દ્રનગરમાં પી.ટી.સી.ના અભ્યાસ દરમ્યાન અમને સંસ્કાર અને શિક્ષણના પાઠ શીખવ્યા અને એ સંસ્કારના સિંચન થકી આજે હું સફળતાના શિખરો સર કરી શક્યો છું. આજે પણ યાદ કરું છુ મોજીદડની પ્રાથમિક શાળાના મારા ગુરુ પૂજ્ય સ્વ. ભુદરભાઈ ઘેલાભાઈ પરમાર અને સ્વ. રમેશભાઈ મુંધવા ને કે જેમણે મારી શરૂઆતની કારકિર્દી ઘડવામાં મહત્વનું યોગદાન અને માર્ગદર્શન પૂરું પડેલ હતું. ત્યારબાદ માધ્યમિક શાળાની શૈક્ષણિક કારકિર્દીમાં યોગદાન આપનાર માનનીય શ્રી પંચોલી સાહેબ (સુરેન્દ્રનગર)નો પણ આભારી છું. અને આજના પવિત્ર દિવસે મારા પ્રથમ ગુરુ માતા-પિતાને કોટી-કોટી વંદન. કે જેમણે મને પ્રેમ, વાત્સલ્ય, શિસ્ત અને સંસ્કારના પાઠ શીખવ્યા.

રવિવાર, 6 જુલાઈ, 2014

“એક મુલાકાત” – ડો. આઇ. કે. વીજળીવાળા

(ડો.આઇ.કે.વીજળીવાળાનાં પુસ્તક મનનો માળો (મોતીચારો ભાગ-2) માંથી)
ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનની પૂછપરછની બારી પરના ઘડિયાળમાં સમય થયો હતો….છ વાગવામાં પાંચ મિનિટ ઓછી. એક કદાવર અને ફૂટડો આર્મી જવાન ઝીણી આંખ કરીને સમય નોંધી રહ્યો હતો. એક વખત આ ઘડિયાળ સામે અને બીજી વખત પોતાના કાંડાઘડિયાળ સામે જોઇને એણે બેઉ ઘડિયાળો બરાબર ચાલી રહ્યાં છે તેની ખાતરી કરી લીધી. એનો દરેક હાવભાવ અને પ્રત્યેક હલનચલન એ અતિ આતુરતાપૂર્વક કોઇકની રાહ જોઇ રહ્યો છે એવું બતાવતાં હતાં. થોડી થોડી વારે એ ઊંડો શ્વાસ લઇને છોડતો હતો. હાથ નો પરસેવો લૂછતો હતો. પોતાના હાથમાં પકડેલા રાતા ગુલાબને જોઇને આમથી તેમ આંટા પણ મારી લેતો હતો. અને આવું બધું થાય તેમાં કંઇ નવાઇ પણ નહોતી. છેલ્લા અઢાર અઢાર મહિનાથી જે સ્ત્રીએ એના જીવનમાં અમૂલ્ય સ્થાન મેળવી લીધું હતું એ સ્ત્રી આજે એને પ્રથમ વખત મળવાની હતી. જે સ્ત્રીના લખેલા પત્રો અને એમાંના અદ્દભુત શબ્દો ના સહારે એણે યુદ્ધભૂમિ પરનું દોઢ વરસ પસાર કર્યું હતું એ સ્ત્રી આજે એને ફક્ત પાંચ જ મિનિટ પછી એટલે કે, બરાબર છના ટકોરે મળવાની હતી. બંને એ એકબીજાને ક્યારેય જોયાં નહોતાં. ફક્ત પત્રના માધ્યમથી જ મળતાં રહેલાં. આજે છ વાગ્યે રાતા ગુલાબની નિશાની સાથે બંને મળવાના હતાં. હવે ફ્ક્ત ચાર જ મિનિટ બાકી હતી છ વાગવામાં. એ જવાનને આજની પાંચ મિનિટ એની જિંદગીની સૌથી લાંબી પાંચ મિનિટ લાગી રહી હતી.
એ જવાનનું નામ હતું લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ. અમેરિકન યુદ્ધવિમાનોના કાફલાનો એક બાહોશ પાઇલોટ. હવાઇ ગોળાબારી અને અદ્દભુત ઉડાનકલા માટે એ પૂરા હવાઇ કાફલા માં જાણીતો હતો. યુદ્ધ મોચરા પર બ્લાન્ડફોર્ડને એ યુવતી જેને તે ફક્ત થોડી જ મિનિટ પછી મળવાનો હતો તેનો પત્ર મળેલો. એમાં લખેલું કે, ‘તમને હવાઇ હુમલો કરતી વેળા ક્યારેય ડર લાગે છે ખરો ?’
હા ! દુશ્મનોનાં વિમાનો ઘેરી વળે કે પીછો પકડીને ઊડી રહ્યાં હોય ત્યારે જરૂર બીક લાગે છે !લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડે જણાવેલું.
વેરી ગુડ ! તમારી નિખાલસતાં માટે મને માન છે. દરેક બહાદુર માણસને બીક લાગે છે ! અરે, આવા સમયે દરેક માણસને બીક લાગે છે. લોકો એ વાત સ્વીકારતા નથી હોતા. પણ બહાદુર માણસો એ બીકને કાબૂમાં રાખી શકે છે.પેલી એ લખેલું. પછી આગળ જણાવેલું કે, ‘તમે પણ બીકને કાબૂમાં રાખી શકો છો. હવે પછી ક્યારેય બીક લાગે ત્યારે એટલું જરૂર યાદ રાખજો કે ભગવાન તમારી સાથે જ છે અને હું પણ તમારા માટે પ્રાર્થના કરું છું.
આ શબ્દોથી લેફ્ટનન્ટ ને ખૂબ જ સહારો મળેલો. એની હિંમતમાં પણ ઘણો વધારો થયેલો.
એ જ વખતે એક યુવતી એની નજીકથી પસાર થઇ. લેફ્ટનન્ટનું હ્રદય જોરથી ધડકી ઊઠ્યું. પણ પેલી યુવતીના હાથમાં રાતું ગુલાબ નહોતું. લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ આગળ વધતાં અટકી ગયો. હાય હેન્ડસમ !એટલું કહી એ યુવતી ચાલી ગઇ. બ્લાન્ડફોર્ડ ફરીથી વિચારોમાં ડૂબી ગયો. પોતાના ટ્રેનિંગ કેમ્પમાં એક પુસ્તકમાં આ છોકરીના હસ્તાક્ષર તેમજ નામ જોયેલું. ટેલિફોન ડિરેક્ટરીમાંથી એનું સરનામું મેળવી એણે કાગળ લખેલો. પેલી સ્ત્રી જેનું નામ હતું હોલીસ મેયનીલ….એણે જવાબ આપેલો. પછી તો પત્રો લખવાનો ક્રમ નિયમિત રૂપે ચાલતો રહેલો. કામના બોજા નીચે લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ ક્યારેક આ ક્રમ ચૂકી જતો પણ હોલીસ મેયનીલ ક્યારેય ન ચૂકતી. દોઢ દોઢ વરસના આ ક્રમ પછી બંને પણ એકબીજાને અત્યંત ચાહવા લાગ્યાં હતાં તેની બંનેને ગળા સુધી ખાતરી થઇ ચૂકી હતી.
લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડને બીજું પણ એક આશ્વર્ય થતું હતું. આટલા વખતમાં એણે જેટલી વખત એનો ફોટો મોકલવાનું લખેલું એટલી વખત હોલીસ મેયનીલે ઘસીને ના પાડી દીધેલી. બ્લાન્ડફોર્ડે એક વાર અતિ જીદ કરેલી ત્યારે એણે લખેલું કે, ‘જો મારા માટેની તારી લાગણી સાચી જ હશે તો હું કેવી દેખાઉં છું એ વાતનું કોઇ મહત્વ જ રહેતું નથી. એટલે મારી વિનંતી છે કે તું ફોટો ન મંગાવીશ, કારણ કે જો હું ખૂબ જ રૂપાળી તેમજ દેખાવડી લાગતી હોઇશ તો તું મારા રૂપને લીધે મારી સાથે સંબંધ રાખે છે તેમ મને લાગશે. અને એવા સંબંધ માટે મને ભારોભાર નફરત છે. ધારો કે હું કદરૂપી હોઇશ (અને એવું કદાચ હોય પણ ખરું) અને પછી પણ તું લખવાનું ચાલુ રાખશે તો મને એવું લાગ્યા કરશે કે અત્યારે યુદ્ધમોરચે તું એકલો છો અને તારી સાથે બીજું કોઇ નથી એટલે તું મને લખવા મજબૂર બન્યો હઇશ. એટલે હવે ક્યારેય મારો ફોટો મંગાવીશ નહીં. તું પોતે ન્યુયોર્ક આવે અને મને જુએ ત્યારે જ તું જે કંઇ અભિપ્રાય બાંધવો હોય તે બાંધે તેવું હું ઇચ્છું છુંઅને એને હોલીસ મેયનીલનાં આ વાક્યો અદ્દભુત લાગેલાં.
છ વાગવામાં હવે ફક્ત એક જ મિનિટ બાકી રહી હતી. બ્લાન્ડફોર્ડનું હ્રદય હવે એને જરાય ગાંઠતું નહોતું. છેક ગળા સુધી ઊછળી ઊછળીને ધબકતું હતું. બરાબર એ જ વખતે જાણે આસમાનમાંથી કોઇ પરી ટપકી પડી હોય તેવું સંદર રૂપ ધરાવતી એક યુવતી પિસ્તા કલરના ડ્રેસમાં એના તરફ આવતી દેખાઇ. અતિ સુદંર, આકર્ષક અને નમણો ચહેરો, લાંબા પગ, વાંકડિયા લાંબા સોનેરી વાળ, સાગરનું ઊંડાણ ભરેલું હોય તેવી આંખો, મુખ પર મંદ મંદ સ્મિત અને ચાલવાની અદ્દભુત છટા જોઇને આફરીન થઇ જવાય તેવું વ્યક્તિત્વ. એ યુવતી એની તરફ જ આવતી હોય તેવું લાગતા બ્લાન્ડફોર્ડ હાથમાંનું રાતું ગુલાબ એના તરફ લંબાવીને આગળ વધ્યો. ત્યાં જ એની નજર પડી કે એ યુવતી પાસે પણ નિશાની મુજબનું રાતું ગુલાબ નહોતું. મનને ન ગમ્યું છતાં પણ એ અટકી ગયો.
મારું કંઇ કામ હતું સોલ્જર જવાન ?’ અચાનક પોતાની આગળ ઊભા રહી ગયેલા બ્લાન્ડફોર્ડને ઉદ્દેશી ને એ યુવતી બોલી.
ઓહ નો ! નહીં નહીં ! માફ કરજો ! કંઇ નહીં, અમસ્તું જ !બ્લાન્ડફોર્ડે એટલું કહીને એ યુવતી ને જવાનો માર્ગ કરી આપ્યો. એ યુવતી હસી પડી. પછી રોડ ક્રોસ કરીને સામેની બાજુએ ચાલી ગઇ.
બ્લાન્ડફોર્ડ એને જતી જોઇ રહ્યો. એનું મન એક વખત બોલી ઊઠ્યું કે…. કેટલી સુંદર હતી એ !……
બરાબર એ જ વખતે નિશાની મુજબ હાથમાં રાતું ગુલાબ લઇને એની જ તરફ આવતી એક સ્ત્રી દેખાઇ. એ બરાબર એની સામે આવીને ઊભી રહી ગઇ. પરંતુ એ કોઇ યુવતી નહોતી. એ તો આધેડ ઉંમરની બિલકુલ બેઠી દડીની સ્ત્રી હતી. એના માથાના અર્ધાથી ઉપર વાળ સફેદ થઇ ચૂક્યા હતા. ચરબીયુક્ત શરીર, સૂજી ગયેલાં પોપચાં, જાડા પગ, જાડા કાચવાળાં ચશ્માં ટૂંકમાં સાવ જ અદોદરું શરીર. હાથમાં રાતું ગુલાબ લઇ ને એ હસતી હસતી ઊભી હતી.
હમમ..! એટલે જ એણે પોતાનો ફોટો નહીં મોકલ્યો હોય ! મે પણ ક્યારેય એની આશરે ઉંમર પણ ન પૂછી. પણ એણે આવો ઉલ્લેખ તો પોતાના કાગળમાં કરેલો જ !
બ્લાન્ડફોર્ડના મનમાં વિચારોનું વાવાઝોડું ઊમટી આવ્યું. બે ઘડી તો એ થોડોક લેવાઇ ગયો. એકાદ ક્ષણ પૂરતું એનું મન પેલી પિસ્તા કલરના ડ્રેસવાળી સુંદર યુવતીનો વિચાર કરી રહ્યું. પણ બસ ! ફક્ત એ એકાદ ક્ષણ જ ! તરત જ એને વિચાર આવ્યો કે, ‘સાચી સુંદરતા તો મનની જ હોય છે. મેયનીલ ખૂબ રૂપાળી અને પોતે કદરૂપો હોત તો ? એટલે શરીરનો વિચાર કરી જે યુવતી એ કપરામાં કપરાં દોઢ વરસ સુધી પોતાને ટકાવી રાખ્યો હતો એને અન્યાય ન જ કરાય. પોતાના ખરાબ સમયમાં સહારો બનેલું આ એ જ અદ્દભુત વ્યક્તિત્વ જ્યારે હવે સદેહે સામે ઊભું છે ત્યારે બાહ્ય દેખાવને પ્રાધાન્ય આપવાનું હોય જ નહીં.
બધા જ આડાઅવળા વિચારો ને મનના કોઇ અજ્ઞાત ખૂણામાં ધરબીને મોં પર સાચું હાસ્ય તેમજ સાચી ખુશીના ભાવો લાવી એ આગળ વધ્યો. પેલી સ્ત્રી નો હાથ પકડી તેના હાથમાં રાતું ગુલાબ, મૂકતાં એ બોલ્યો, ‘મિસ હોલીસ મેયનીલ. હું છું લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ. ખરેખર તમને મળીને ખૂબ જ ખુશી થઇ. હું તમને પ્રપોઝ કરવા માંગું છું. તમે મારા સાથી બનવા રાજી થશો ખરાં ? અને જો તમારો જવાબ હામાં હોય તો તમને હું આજ રાતના ખાણા માટે હ્રદયપૂર્વક આમંત્રણ પાઠવું છું.
પેલી બેઠી દડીની જાડી સ્ત્રી ખડખડાટ હસી પડી. હસતાં હસતાં જ એણે કહ્યું, ‘ દીકરા ! વહાલા જવાન ! તું શું કહી રહ્યો છો એ મને કાંઇ સમજાતું નથી. હું હોલીસ મેયનીલ પણ નથી. હોલીસ મેયનીલ તો હમણાં અહીંથી પિસ્તા કલરનો ડ્રેસ પહેરીને જે સુંદર યુવતી ગઇને તે હતી. એણે મારા હાથમાં આ રાતું ગુલાબ પકડાવેલું અને કહેલું કે જો તું મને આટલી મોટી ઉંમરની તેમજ જાડી હોવા છતાં પણ પ્રેમથી, લાગણીથી, ઉમકળાથી તેમજ આદરથી ડિનર માટે આમંત્રણ આપે તો જ મારે તને જણાવવું કે એ રોડની સામેની તરફ આવેલા રેસ્ટોરાંમાં તારી રાહ જુએ છે. આ કોઇક પ્રકારની કસોટી છે એવું પણ એ બોલેલી. તું તેમાં પાસ થયો છે બેટા ! હવે જા જલદી, એ તારી વાટ જોતી હશે !…..’
રોડની સામેની તરફ પગ ઉપાડતાં પહેલાં કેટલીય વાર સુધી લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ એ સ્ત્રી સામે સ્તબ્ધ બનીને જોઇ રહ્યો ! પછી એક સ્મિત કરીને એ પેલી પરીને મળવાં રેસ્ટોરાં તરફ આગળ વધ્યો !


મંગળવાર, 24 જૂન, 2014

ટીચર, તમે કેટલા અપડેટેડ છો ?

સમાજમાં શિક્ષકનું જે સ્ટેટસ હતું તે હવે તેને મળે છે? શિષ્ય, શિક્ષક અને સમાજ ત્રણેય એવી રીતે જોડાયેલા છે કે જો ત્રણેયમાંથી એકેય નબળું રહે તો ન ચાલે. વિચારવાનો સવાલ એ પણ છે કે શિક્ષકમાં કમી છે કે પછી સિસ્ટમમાં જ કોઈ ખામી છે?શિક્ષક પાસે સહુને અપેક્ષા છે પણ સમાજ શિક્ષકની અપેક્ષા સંતોષી શક્યો છે? ભણતા શીખવાડે એવા શિક્ષકોની સંખ્યા વધતી જાય છે પણ જીતતા અને જીવતા શીખવાડે એવા શિક્ષકોની સંખ્યા સતત ઘટતી જાય છે.
તમારી જિંદગીમાં જો તમને સારા ટીચર મળ્યા હોય તો તમે નસીબદાર છો. તમને મળેલા બેસ્ટ ટીચરને યાદ કરો. કોનો ચહેરો સામે આવ્યો? હવે એ વિચાર કરો કે કેમ એક જ ચહેરો નજર સામે ઉપસ્યો? બાકીના ટીચર્સ શું નકામા હતા? આપણી જિંદગીમાં તો અનેક શિક્ષકો આવ્યા હોય છે. એમાંથી કેમ બે ચાર જ યાદ રહે છે? કારણ કે એ કંઈક જુદા હતા. છતાં એક સવાલ તો થાય જ છે કે કેટલા શિક્ષકો ગુરુદેવની વ્યાખ્યામાં ફિટ થાય છે?
ચાણક્યનું વાક્ય છે, શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતા પણ કેટલા શિક્ષકો પોતાને અસામાન્ય સમજે છે? અને લોકો પણ ટીચરને કેવું સ્ટેટસ આપે છે? કોઈને તમે પહેલી વખત મળતાં હો અને પૂછો કે તમે શું કરો છો? એ વ્યક્તિ જવાબ આપે કે હું શિક્ષક છું, તો તમારા મનમાં પહેલી ઇમ્પ્રેશન કેવી પડે? ઓકે, ટીચર છે. બંને પક્ષે કંઈક મિસિંગ છે.
આજે ટીચર્સ ડે છે. ગુરુવંદનાનો દિવસ. આજે આપણે જે કંઈ છીએ તેમાં આપણા ટીચર્સ, પ્રોફેસર્સનો ફાળો છે. કોઈ ઘડતર એમ ને એમ નથી થતું, કોઈની મહેનત બોલતી હોય છે. બાળકના જીવનમાં મા-બાપ પછી જો કોઈ સૌથી મહત્ત્વની વ્યક્તિ હોય તો એ ટીચર છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ... વાળો શ્લોક આપણે સમજણાં થયા ત્યારથી બોલતા આવ્યા છીએ. ગુરુને આપણે ભગવાનનો દરજ્જો આપીએ છીએ. ગુરુ ગોવિંદ દોનો ખડે, કીસકો લાગુ પાય? બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દીયો દિખાઈ.
ભગવાન મળ્યા પણ એ ગુરુને કારણે મળ્યા છે એટલે ગુરુ મહાન છે. પણ હવે કોઈને ગુરુ ભગવાન માટે નહીં પણ ડિગ્રી માટે જોઈએ છે. અલબત્ત, એનાથી પણ ગુરુનું મહત્ત્વ કે માહાત્મ્ય ઘટતું નથી.
સમય બદલાયો છે. બધું બદલાયું છે. સ્ટુડન્ટ બદલાયો છે, શિક્ષક કેટલા બદલાયા છે? હા, ઘણા ટીચર્સ બદલાયા છે. હવે 'સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમ'નો જમાનો નથી. શિક્ષણ હાઈટેક થયું છે. મોબાઈલ, ઈન્ટરનેટ, લેપટોપ અને આઈપેડવાળો આજનો શિષ્ય શાણો થઈ ગયો છે. અમુક સવાલોના જવાબ તો એ ગૂગલમાં સર્ચ મારીને શોધી લ્યે છે. શિક્ષકની જવાબદારી એટલે જ વધી જાય છે. કેટલા
શિક્ષકો લેટેસ્ટ ટેક્નોલોજી અને સોસાયટીના બદલાતા પ્રવાહોથી અપડેટેડ હોય છે? પોતે જે ભણાવતા હોય એ વિષય સિવાયનું જ્ઞાન જ શિક્ષકને ગુરુનો દરજ્જો આપશે.
કહેવાનો મતલબ જરાયે એવો નથી કે બધા જ શિક્ષકો અને પ્રોફેસરો આઉટડેટેડ છે. સમજુ, શાણા અને જ્ઞાની શિક્ષકોની કમી નથી. બ્લેકબોર્ડ, ચોક અને ડસ્ટરની મેન્ટાલિટીમાંથી બહાર આવી સફળતા અને સુખની સમજ આપનારા શિક્ષકોનો પણ મોટો વર્ગ છે. દેશમાં શિક્ષણ અને શિક્ષકના બે ચહેરા છે. એક ચહેરો અત્યંત તેજસ્વી છે અને બીજો ડાર્ક છે. એક તરફ આલીશાન સ્કૂલ અને કોલેજીસ છે તો બીજી તરફ ખખડધજ શાળાઓ છે. શહેરની શાળામાં બાળકોને કડકડાટ ઇંગ્લિશ બોલતા શીખવાય છે અને ગામડાંની શાળામાં બાળકો પાઠયપુસ્તકોનો ગુજરાતી પાઠ પણ માંડ માંડ વાંચી શકે છે. શિક્ષણનું ઓલમોસ્ટ પ્રાઈવેટાઈઝેશન અને વ્યાપારીકરણ થઈ ગયું છે. ટયુશન વિના વિદ્યાર્થી પાસ થઈ શકતો નથી. સ્કૂલ અને ટયુશનનો બમણો ભાર વિદ્યાર્થી વેંઢારે છે. શાળા એ માત્ર શિક્ષણ નહીં પણ સંસ્કાર આપવાનું સ્થળ છે પણ ખરેખર એવું રહ્યું છે?
કોઈ શાળા, કોલેજ કે યુનિર્વિસટીની ખ્યાતિ હોય તો એ તેના શિક્ષકો અને પ્રોફેસરોના કારણે હોય છે. દરેક સંસ્થાએ તેનું સ્ટાન્ડર્ડ મેઇન્ટેઇન કરવું પડે છે. ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં તેના ટીચર્સ - પ્રોફેસર્સ અપડેટેડ રહે તે માટે વર્કશોપ અને ટ્રેનિંગ પ્રોગ્રામ્સ થાય છે એટલે તેની નામના ટકી રહે છે. સરકારી શાળા અને સરકારી શિક્ષણનું સ્તર કેટલું સુધરે છે? એટલો જ મહત્ત્વનો સવાલ એ છે કે સુધરતું નથી તો શા માટે નથી સુધરતું? કેટલો વાંક શિક્ષકોનો છે અને કેટલો સરકારનો? ગામડેથી આવેલી એક વ્યક્તિએ એવું કહ્યું કે અમારા ગામની સરકારી શાળાના શિક્ષકો તો છોકરાંવને ચાલુ ક્લાસે માવો કે પડીકી લેવા મોકલે છે. શિક્ષકની નોકરી મળી ગઈ પછી ઘણા શિક્ષકો કંઈ જ વાંચતા કે લખતાં નથી. એક જ પુસ્તક વર્ષો સુધી ભણાવતા શિક્ષકોને એ પુસ્તક સિવાય કશી ખબર જ હોતી નથી.
સરકારી શિક્ષકોની છાપ હોવી જોઈએ એવી નથી એટલે લોકો પોતાનાં સંતાનોને ખાનગી શાળાઓમાં મોકલે છે. ત્યાં વળી ચિત્ર સાવ ઊંધું છે. ખાનગી શાળાઓમાં શિક્ષકોનું જ શોષણ થતું હોવાની બૂમ છે. શિક્ષકોને પગાર ઓછો અપાય છે. પગારપત્રકમાં મોટી રકમ પર સહી લેવાય છે અને ચુકવણું ઓછું થાય છે.
હવે શિક્ષક દિવસ જરાક જુદી રીતે ઊજવવાની જરૂર છે. શિક્ષકની દશા અને દિશા પર મનોમંથન કરવાની જરૂર છે. માત્ર શિક્ષકોને દોષ દઈ દેવાથી સ્થિતિ સુધરી જવાની નથી. ઘણું બધું એવું છે જે બદલવાની અને સુધારવાની જરૂર છે. સિસ્ટમ જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી શિક્ષણ નહીં સુધરે. બધો જ વાંક શિક્ષકોનો નથી.
શિક્ષકોની વેદના ક્યારેય કોઈએ એમને પૂછી છે? શિક્ષકોને સમાજમાં જે સ્ટેટસ મળવું જોઈએ એ મળે છે? મા-બાપની મેન્ટાલિટી પણ એવી થઈ ગઈ છે કે ફી જોઈએ એટલી લઈ લો પણ અમારા છોકરાને હોશિયાર બનાવી દો. શિક્ષકોની 'કિંમત' છે પણ 'મૂલ્ય'નથી. ફીની રકમને માર્કશીટના પરસન્ટેજ અને પર્સન્ટાઈલથી માપવામાં આવે છે. એક શિક્ષકે કહ્યું કે મા-બાપ હવે હિસાબ માંગે છે. કન્સલ્ટન્ટને જેમ તમે કિંમત ચૂકવો અને રિઝલ્ટ માંગો એવું જ હવે એજ્યુકેશનમાં પણ થઈ ગયું છે. ડોક્ટર પાસે દવા લેવા જઈએ એટલે દર્દી સાજો થઈ જવો જોઈએ એવી જ દાનત હવે શિક્ષણમાં પણ થઈ છે. બાળકને ભણવા મોકલીએ એટલે એ હોશિયાર થઈ જવો જોઈએ. બાળક ઠોઠ હોય એટલે શિક્ષક ઉપર દોષનો ટોપલો ઢોળી દેવાનો.
એક શિક્ષણશાસ્ત્રીએ સરસ વાત કરી કે હવેના બાળક અને યુવાનની સાઇકોલોજી બદલાઈ છે એટલે ટીચર્સે પણ બદલાવું પડશે. શિક્ષકોને હવે ચાઈલ્ડ સાઇકોલોજી અને યંગસ્ટર્સની મેન્ટાલિટી સમજવાનું શિક્ષણ આપવું પડશે. શિક્ષકે હવે ફ્રેન્ડ, ફિલોસોફર ને ગાઈડ બનવાનું છે. વિદ્યાર્થી સાથે શિક્ષકે પણ નવું નવું શીખતા રહેવું પડશે. વિદ્યાર્થી તો જ તમને આદર આપશે જો એને એવું લાગશે કે તમારામાં તેને નોલેજ આપી શકો એટલું જ્ઞાન છે. અમારા સાહેબ કે મેડમને તો કંઈ ખબર જ નથી પડતી એવું જો વિદ્યાર્થીને થયું તો એને ક્યારેય આદર થવાનો નથી.
શિક્ષકોએ માત્ર ભણાવવાનું નથી, ટીચરની સાથોસાથ મેન્ટરની ભૂમિકા પણ ભજવવાની છે. મા-બાપ પાસે હવે સંતાનો માટે પૂરતો સમય નથી એટલે તેની અપેક્ષા શિક્ષક પાસેથી વધી જાય છે. શિક્ષકનું સ્વરૂપ પણ હવે બદલાયું છે. ક્લાસમાં ભણાવે એ જ શિક્ષક નથી, હવે બધી જગ્યાએ કોચ છે. બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલને લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મળ્યો. આ પછી તેને સફળતા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેણે પોતાના કોચ ગોપીચંદ પુલેલાની એક વાત કરી. સાઈનાએ કહ્યું કે હું જ્યારે મેચ હારતી ત્યારે રડવા માંડતી. મારા કોચ ગોપીચંદ મને કહેતા કે તું રડે રાખીશ તો ક્યારેય જીતી નહી શકે, તારે જીતવું હશે તો રડવાનું બંધ કરવું પડશે. કેવી રીતે રમવું તેના કરતાં કેવી રીતે જીતવું એ શિખામણ જ કદાચ સાઈના માટે મહત્ત્વની સાબિત થઈ છે.
સફળતાનાં ક્ષેત્રો બદલાયાં છે એમ ગુરુની ભૂમિકા પણ બદલાઈ છે. હવેના વિદ્યાર્થીને માત્ર ભણતાં નહીં પણ જીતતા અને જીવતા શીખવવાનું છે. વિદ્યાર્થીની મૂંઝવણ અને દિલની વાત જાણી તેને મોટિવેટ કરવાના છે. એક સફળ માણસ પાછળ અનેક સજ્જન શિક્ષકોનું યોગદાન હોય છે. વિદ્યાર્થીને સફળ સાબિત કરવા શિક્ષકે ખરાં ઊતરવું પડે એવો સમય છે. એક શિક્ષકે કહ્યું કે મારો વિદ્યાર્થી જ્યારે પાસ થાય છે ત્યારે તેની સાથોસાથ હું પણ પાસ થાઉં છું અને તે જ્યારે નાપાસ થાય છે ત્યારે હું પણ ફેઈલ થાઉં છું.
ગુરુ ઓલવેઝ ગ્રેટ હોય છે અને જે ગ્રેટ હોય છે એવા જ ગુરુ આપણને યાદ રહેતા હોય છે. દરેક ગુરુજને પણ એ જ વિચારવાનું રહે છે કે હું ગ્રેટ છું? તમારામાં એ તાકાત છે કે તમારી એક વાત કોઈની જિંદગી બનાવી શકે છે.
છેલ્લે એક વિદ્યાર્થીએ તેના શિક્ષક વિશે કરેલી વાત કહેવી છે. તમારા ટીચર કેવા છે? એવો સવાલ કર્યો ત્યારે તેણે કહ્યું કે અમારા ટીચર બહુ જ સારા અને હોશિયાર છે પણ એ માત્ર હોશિયાર વિદ્યાર્થીઓ તરફ જ ધ્યાન આપે છે. હવે જે હોશિયાર છે એ તો છે જ પણ જે હોશિયાર નથી એનું શું? હે ગુરુજનો, આ બાળકની વાત પણ ગૌર ફરમાવવા જેવી છે.